ગુજરાતના ધરતીપૂત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારથી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 4 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેઠું છે. બે દિવસ બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આજથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે 26મી તારીખે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 27મી તારીખે એટલે મંગળવારે દક્ષિણ ગુજરાતના વલસાડના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની સંભાવના છે.
આગાહી પ્રમાણે, 28મી તારીખે એટલે બુધવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 29મી તારીખે ગુરુવારે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.