મહિન્દ્રા થારના ફાઈવ ડોર વર્ઝનની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કંપની આ વર્ષે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના અવસર પર તેની ઑફરોડિંગ SUVનું 5-ડોર વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં તે માત્ર પ્રદર્શિત કરવામાં આવશે. મહિન્દ્રા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે, મહિન્દ્રાએ 15 ઓગસ્ટ 2020ના રોજ થારના નવી જનરેશનના મોડલનું અનાવરણ કર્યું હતું. કંપની આ એસયુવીને દક્ષિણ આફ્રિકામાં વૈશ્વિક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરશે, છેલ્લી વખત આ ઈવેન્ટ યુકેમાં યોજાઈ હતી.
ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા પણ મહિન્દ્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બજાર છે. કંપની 1996 થી દક્ષિણ આફ્રિકાના બજારમાં વ્હીકલ્સનું સેલિંગ કરી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં XUV300, XUV700 અને Scorpio-N જેવા કેટલાક વધુ મોડલ લોન્ચ કરવાની યોજના છે. જો કે, ભારતમાં મહિન્દ્રા થાર 5-ડોરના સેલિંગ માટે કસ્ટમર્સને થોડો સમય રાહ જોવી પડશે.
સમગ્ર દેશમાં મહિન્દ્રા થારના ચાહકોમાં એક વર્ગ એવો પણ છે જે તેના 5-ડોર વેરિઅન્ટના લોન્ચની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, જ્યારે મારુતિ જિમ્નીનું 5-ડોર વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે જ સમયે મહિન્દ્રા તરફથી એક નિવેદન આવ્યું હતું કે કંપની આવતા વર્ષે એટલે કે 2024 સુધીમાં ભારતમાં સેલિંગ માટે તેના થાર 5-ડોર લોન્ચ કરશે.
મહિન્દ્રા થાર 5-ડોરમાં શું હશે ખાસ?
સૌ પ્રથમ, તેને 5 ડોર મળશે જે વર્તમાન મોડલ કરતાં એસયુવીની એન્ટ્રી અને એક્ઝિટને આસાન બનાવશે. ઉપરાંત, તે સાઇઝમાં મોટી હશે, જેના કારણે તમને કેબિનની અંદર સારી જગ્યા મળશે. 5 લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. કંપની તેને 2.2 લિટર ડીઝલ અને 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરશે. વર્તમાન મોડલમાં પણ આ જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મળશે વિશેષ ફિચર્સ
થાર 5-ડોર માત્ર વધારાના ડોર જ નહીં પરંતુ કંપની આ SUVમાં વધુ સારી અને એડવાન્સ ટેક્નોલોજીનો સમાવેશ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. સનરૂફ હવે કન્ફર્મ થઈ ગયું હોવાથી વધુ સારી સુવિધાઓની અપેક્ષા છે. જોકે, શક્ય છે કે તેમાં સોફ્ટ-ટોપ વેરિઅન્ટ આપવામાં ન આવે. મહિન્દ્રા થાર 5-ડોરને ફ્રન્ટ સેન્ટર આર્મરેસ્ટ, અપડેટેડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કેબિનમાં વધુ સ્ટોરેજ સ્પેસ, બીજી રો માટે બે અલગ સીટ સહિત અનેક બેઠક ઓપ્શન્સ અને ઇન્ટરનલ પાર્ટ્સમાં પ્રીમિયમ ટચ મળી શકે છે.
જિમ્નીને સખત કોમ્પિટિશનનો સામનો કરવો પડશે
ઑફરોડિંગ લાઇફ સ્ટાઇલ વ્હીકલ તરીકે, મહિન્દ્રા થાર સીધી મારુતિ જિમ્ની સાથે કોમ્પિટિશન કરશે, જે તાજેતરમાં રૂ. 12.74 લાખની પ્રારંભિક કિંમતે લૉન્ચ કરવામાં આવી હતી. જ્યારે જિમ્ની માત્ર એક જ 1.5L પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે આવે છે, ત્યારે થાર કસ્ટમર્સને બહુવિધ એન્જિન વિકલ્પોની પસંદગી આપશે. આ સિવાય થારનું એન્જિન પણ મોટું અને પાવરફુલ છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મહિન્દ્રા થાર 5-ડોર કેટલી કિંમતે લોન્ચ થશે.






