મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં શ્રાવણ-ભાદરવો મહિનામાં 70 દિવસ સુધી દર્શનાર્થીઓનો પ્રવેશ પૂરી રીતે બંધ રાખવા પર સહમતી બની ગઈ છે. આ દરમિયાન વીઆઈપીને પણ પ્રવેશ નહીં મળે, સાથે સાથે 11 જુલાઈથી ઉજજૈનના દર્શનાર્થીઓને અલગ દ્વારથી મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત લાડુના પ્રસાદના ભાવમાં પણ વધારો કરી 360 રૂપિયા કિલોના 400 રૂપિયા કરવાનો નિર્ણય પણ મહાકાલેશ્વર પ્રબંધ સમિતિની બેઠકમાં પસાર થયો છે.
મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિની બેઠક મહાકાલ મહાલોક કંટ્રોલ રૂમમાં કલેકટર તેમજ અધ્યક્ષ કુમાર પુરુષોતમની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં મહાકાલેશ્વર ભગવાનના દર્શન માટે શ્રધ્ધાળુઓની દર્શન વ્યવસ્થાના સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ 4 જુલાઈથી 11 સપ્ટેમ્બર સુધી ભગવાન મહાકાલેશ્વરના દર્શન પર પૂર્ણતયા પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સમયમાં 1500 રૂપિયાના જલાભિષેકની રસીદ પણ બંધ રહેશે સાથે સાથે શ્રધ્ધાળુઓને સરલ, સુલભ દર્શન માટે પ્રશાસન દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી બધા શ્રધ્ધાળુઓને સરળતાથી દર્શન થઈ શકશે.





