ગુજરાતમાં જામેલા વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવા અંગે આજે નિર્ણય લેવાશે. આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીની તૈયારીઓ પર ચર્ચા કરાશે.
હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ વિશે વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



