હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. આજ સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતભરમાં આજે પણ કાળડિંબાગ વાદળો જોવા મળી રહ્યા છે. આજે સવારના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સૌથી વધારે સુરતના માંડવીમાં અને ચીખલીમાં નોંધાયો છે. અહીં બે કલાકમાં જ 2 -2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત સવારના 6થી 8 વાગ્યા સુધીમાં ખેરગામમાં 1.5 ઈંચ, વલસાડમાં સવા ઈંચ અને ધરમપુરમાં પણ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાંસદામાં સવા ઈંચ, પારડીમાં 1 ઈંચ, સુરત શહેરમાં 1 ઈંચ, પલસાણામાં પોણો ઈંચ, ડોલવણ અને મહુવામાં પોણો ઈંચ, બારડોલી અને તાપીના વાલોડમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે.



