વાસ્તવમાં ખાંડને સ્વાસ્થ્ય માટે જોખમી સમજીને કેટલાક લોકો તેના સ્થાને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરતાં હોય છે. પણ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક લેટેસ્ટ સંશોધનમાં જણાવાયું છે કે આર્ટિફિશિયલ સ્વીટનરમાંના એક એસ્પાર્ટેમથી કેન્સરનું જોખમ છે. એસ્પાર્ટેમનો ઉપયોગ કોકાકોલાના ડાયેટ સોડાથી લઈને માર્સ એક્સ્ટ્રા ચ્યૂઇંગ ગમ અને અન્ય કેટલાક પીણાંમાં કરવામાં આવે છે. આમ કોક જેવા ઠંડાં પીણાં પીવાથી કેન્સરનું જોખમ છે અને આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહી છે
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરની બેઠક જૂનના અંતથી આગામી 14 જુલાઈ સુધી મળશે તેમાં સંભવિતપણે એસ્પાર્ટેમને એવા પદાર્થોની યાદીમાં સામેલ કરી શકે છે કે જેને કારણે કેન્સર થઈ શકે છે અથવા કેન્સર થવાનો ખતરો વધી શકે છે. જો કે આ સંશોધનમાં એ જણાવાયું નથી કે એસ્પાર્ટેમ યુક્ત કેટલાક પદાર્થનો માનવી સુરક્ષિત રૂપથી ઉપયોગ કરી શકે છે. માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે તેવા પદાર્થનો કોઈ કેટલું સેવન કરી શકે તેની ભલામણ WHOની અલગ એક્સ્પર્ટ કમિટી આપે છે. સામાન્ય રીતે આ ભલામણ જોઇન્ટ WHO એન્ડ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન એક્સ્પર્ટ કમિટી ઓન ફૂડ એડિટિવ્ઝ( આપે છે. એડિટિવ્ઝ પર ડબ્લ્યૂએચઓની સમિતિ JECFA આ વર્ષે એસ્પાર્ટેમની સમીક્ષા કરી રહી છે. 1981માં તેણે જણાવ્યું હતું કે જો એક મર્યાદામાં રહીને એસ્પાર્ટેમનું સેવન કરવામાં આવે તો તે સુરક્ષિત છે.
પાછલા વર્ષે ફ્રાન્સમાં એસ્પાર્ટેમનું સેવન કરનારા એક લાખ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં જાણવા મળ્યું હતું કે જેઓ ભારે માત્રામાં આર્ટિફિશિયલ સ્વીટનર (જેમાં એસ્પાર્ટેમનો પણ સમાવેશ થાય છે)નું સેવન કરે છે તેમને કેન્સર થવાનું જોખમ વધારે છે. જો કે આંતરરાષ્ટ્રીય સ્વીટનર સંગઠન આ રિપોર્ટનો વિરોધ કરી રહ્યું છે. તેના મહાસચિવે જણાવ્યું હતું કે આઈએઆરસી ખાદ્ય સુરક્ષા એકમ નથી અને એસ્પાર્ટેમની તેમની સમીક્ષા વૈજ્ઞાનિક રૂપથી વ્યાપક નથી. ફક્ત તેને બદનામ કરવાના ઉદ્દેશથી આ સમીક્ષા કરવામાં આવી છે.