અનેક વિસ્તારોમાં અવિરત અનરાધાર મેઘમહેર થઈ રહી છે જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે આગામી બે દિવસમાં ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી ભારે વરસાદ નોંધાય તેવા અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસારવરસાદી ટ્રફ અને સર્ક્યુલેશનને લીધે ભારે વરસાદ પડી શકે તેમ છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આજે મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સુરતના મહુવામાં 6 ઈંચ અને વ્યારામાં 5.5 ઈંચ વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું છે. તો રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી પાંચ ગામોનો સંપર્ક તૂટ્યો છે. જ્યારે જૂનાગઢમાં ભારે વરસાદને પગલે સોસાયટીમાં પાણી ભરાઇ જતા ઘરવખરીનો સામાન પાણીમાં તણાયો છે.
જૂનાગઢ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ રોદ્ર રૂપ ધારણ કરતા 3 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચલા દાતાર વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વરસાદનાં પાણી ઘૂસી ગયા હતા. શહેરમાં અને ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે આજે શહેરને પાણી પૂરું પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો.



