તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ મહાકાવ્ય ભારતીય પૌરાણિક કથા ‘રામાયણ’ પર આધારિત હતી. ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ઓમ રાઉતની ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. વાસ્તવમાં, પ્રભાસ, કૃતિ સેનન સ્ટારર ફિલ્મને તેના ડાયલોગ્સ અને VFX માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે રામાનંદ સાગરની ‘રામાયણ’ની કાસ્ટ પણ આગળ આવી અને આ ફિલ્મમાં જોવા મળેલી ખામીઓ વિશે તેમણે દિલથી વાત કરી.
હવે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી એવી ચર્ચા ચાલી રહી છે કે નિતેશ તિવારી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘રામાયણ’ પર આધારિત બીજી ફિલ્મ બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. ત્યારે આ અંગે રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનીલ લાહિરી આ કાસ્ટિંગ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.
સુનીલ લાહિરીએ આલિયા વિશે કહી આ વાત!
એક મીડિયા સાથે વાત કરતા સુનીલ લાહિરીએ રામાયણમાં આલિયા ભટ્ટ દ્વારા સીતાની ભૂમિકા ભજવવા અંગે નાખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને સારા અભિનેતા છે અને તેમને લાગે છે કે તેઓ પણ આ વિષય સાથે ન્યાય કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રામના રોલ માટે રણબીર ખૂબ જ સારો વિકલ્પ છે અને તે સારી રીતે કરી શકે છે. આલિયા વિશે વાત કરતાં સુનિલે કહ્યું કે, ‘આલિયા પણ ટેલેન્ટેડ છે પરંતુ મને લાગે છે કે જો આલિયાએ 5 વર્ષ પહેલાં સીતાનું પાત્ર ભજવ્યું હોત તો તેણે પાત્રને વધુ ન્યાય આપ્યો હોત. આ મારો અંગત અભિપ્રાય છે. મને લાગે છે કે આલિયા વર્ષોથી બદલાઈ ગઈ છે. મને ખબર નથી કે તે હવે સીતાજીના રોલમાં કેટલી સારી દેખાશે.
આલિયા ભટ્ટનું વર્ક ફ્રન્ટ
તેના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો આલિયા જેમી ડોર્નન અને ગેલ ગેડોટ સાથે તેની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ સિવાય, આલિયા પાસે ‘રોકી અને રાની કી લવ સ્ટોરી’ પણ છે. આ ફિલ્મ સાથે કરણ જોહર લગભગ 7 વર્ષ પછી ડિરેક્ટરની ખુરશી પર પાછો ફરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. તે 28 જુલાઈએ રિલીઝ થશે. આલિયા પાસે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે ‘જી લે ઝરા’ પણ છે.