ભારતીય ટીમ શનિવારે SAFF ફૂટબોલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રબળ લેબનીઝ ટીમ સામે ટકરાશે. ત્યારે ભારત તેના પ્રભાવશાળી કેપ્ટન પાસેથી વધુ એક સારા પ્રદર્શનની આશા રાખશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ગ્રુપ Aમાંથી કુવૈતને પાછળ રાખીને બીજા સ્થાને રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે લેબનોન ગ્રુપ Aમાં ટોચના સ્થાને રહીને છેલ્લા-ચાર તબક્કામાં સ્થાન પાક્કું કર્યું છે. આઠ વખતની ચેમ્પિયન ટીમ ચાર વખત રનર્સઅપ રહી છે અને એક વખત ત્રીજા સ્થાને રહી છે. ભારતીય ટીમ પોતાની 13મી ફાઈનલમાં પ્રવેશવાથી એક જીત દૂર છે.
સુનીલ છેત્રી શાનદાર ફોર્મમાં
સુનીલ છેત્રી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. કારણ કે તેણે ત્રણ મેચમાં પાંચ ગોલ કર્યા છે અને તે ટુર્નામેન્ટ ટેબલમાં આગળ છે, જેમાં પાકિસ્તાન સામે ગોલની હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. કુવૈત સામેની છેલ્લી લીગ મેચમાં, છેત્રીએ શાનદાર ગોલ કરીને સાબિત કર્યું કે તે હજુ પણ તેની રમતમાં ટોચ પર છે. લેબનોન સામેના પડકારને પાર કરવા માટે છેત્રીએ ફરી એકવાર પોતાની ક્ષમતા બતાવવી પડશે. સહલ અબ્દુલ સમદ, મહેશ સિંહ અને ઉદંતા સિંહ જેવા ખેલાડીઓએ પોતાના કેપ્ટનને સમર્થન આપવા માટે આગળ આવવું પડશે. આ તમામે ટુર્નામેન્ટમાં હજી સુધી પોતાની ભૂમિકા સારી રીતે ભજવી છે. પરંતુ, છેત્રી સિવાય માત્ર ઉદંતા અને મહેશ જ ટીમ માટે ગોલ કરવામાં સફળ રહ્યા છે.
નવ મેચમાં ભારતે એક ગોલ ગુમાવ્યો
લેબનોન જેવી મજબૂત ટીમ સામે ભારતની છેત્રી પર નિર્ભરતા ઘાતક બની શકે છે. ટીમને આશા છે કે તેઓ રક્ષણાત્મક લાઇનથી મજબૂત રમત ચાલુ રાખે. ટીમે છેલ્લી નવ મેચોમાં માત્ર એક ગોલ ગુમાવ્યો છે અને તે પણ કુવૈત સામે હતો. જો કે, ભારતીય ટીમનું મનોબળ ઊંચુ રહેશે. લેબનોન સામેની તેની બે તાજેતરની મેચમાં સકારાત્મક પરિણામો આવ્યા. આ મહિનાની શરૂઆતમાં, ઓડિશામાં ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની લીગ મેચમાં ભારતે લેબનોનને ગોલ રહિત ડ્રો પર રાખ્યું હતું અને ટુર્નામેન્ટની ફાઇનલમાં તેમને 2-0થી હરાવ્યું હતું. ફૂટબોલની સ્પર્ધાત્મક દુનિયામાં, પાછલી મેચોના રેકોર્ડ્સથી બહુ ફરક પડતો નથી.