મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. NCPના દિગ્ગજ નેતા શરદ પવારને ભત્રીજા અજિત પવારે ઝાટકો આપ્યો છે. તેઓ એનસીપીના 30 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને શિંદે સરકારમાં સામેલ થયા. આ સાથે જ અજિત પવાર સહિત આઠ ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા.
મહત્વનું છે કે, ભત્રીજા અજિત પવારના બળવા પર હવે એનસીપી પ્રેસિડન્ટ શરદ પવારનું નિવેદન આવ્યું છે. શરદ પવારે આ સમગ્ર મામલે કહ્યું હતું કે ‘અમને જનતાનું સમર્થન છે. અમે બધું જ ફરીથી બનાવીશું. શરદ પવાર હાલ પુણેમાં છે અને તેમણે તેમના પૂર્વ નિર્ધારીત તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યાં છે અને ત્યાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વધુમાં શરદ પવારે કહ્યું કે, અમે હજુ પણ મજબૂત છીએ અને ફરી ઉભા થઈશું. જો કે, અજિત પવાર અને શરદ પવાર વચ્ચે અણબનાવના અહેવાલો પહેલાથી જ હતા. આ વર્ષે કર્ણાટક ચૂંટણીમાં જ્યારે NCPએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ત્યારે તેમાં અજિત પવારનું નામ ગાયબ હતું. ત્યારે ચર્ચાઓનું બજાર ગરમ હતું કે NCPમાં કાકા-ભત્રીજા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું.
મહારાષ્ટ્રના લોકો આ પ્રકારના સર્કસને વધુ સમય સુધી સહન કરશે નહીં : રાઉત
આ ઘટનાક્રમ પર, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રના લોકો આ પ્રકારના સર્કસને વધુ સમય સુધી સહન કરશે નહીં. એનસીપી નેતા અજિત પવાર, મુખ્યમંત્રી શિંદે અને બીજેપી અંગે રાઉતે કહ્યું, ‘એવું લાગે છે કે કેટલાક લોકો મહારાષ્ટ્રની રાજનીતિને સંપૂર્ણપણે બગાડવા માટે મક્કમ છે. તેમને તેમના પસંદ કરેલા માર્ગ પર આગળ વધવા દો.