ગુજરાતના 10 હજાર જેટલા હજ યાત્રીઓ પાસેથી જંગી રકમના ઉઘરાણાં છતાં હજયાત્રાએ ગુજરાતના યાત્રીઓ ખૂબ પરેશાન થયા છે, વડોદરાના મોહંમદ ગુલામ એહમદ નામના એક યાત્રીનું મીના ખાતે અવસાન થયું હતું, જોકે ચાર દિવસ પછીયે દફન વિધિ થઈ શકી નથી, આ સંદર્ભે હજ કમિટી ઓફ ઈન્ડિયા અને સાઉદી સલ્તન સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે.
ગુજરાતથી હજયાત્રા માટે મક્કા-મદીના ગયેલા યાત્રીઓએ કહ્યું કે, હજયાત્રીઓને દેખરેખ માટે જે સ્વયં સેવકોને મોકલાયા હતા તે સેવામાં ક્યાંય દેખાયા નથી. ગુજરાતના યાત્રીઓએ બળાપો કાઢતાં કહ્યું હતું કે, ગુજરાતમાંથી જંગી રકમના ઉઘરાણા પછીયે ભલીવારની સેવા આપવામાં આવી નથી, ગુજરાતના યાત્રીઓને હરમ શરીફથી નવ કિલો મીટર દૂર ઉતારો આપવામાં આવ્યો હતો, ગુજરાતના યાત્રીઓની ફરિયાદ છે કે, તેમને માર્ગદર્શન આપવા આવેલા સેવકો ફરક્યા નથી. કચ્છના એક યાત્રીને દિલ્હી એરપોર્ટ ખાતે ઉતારી દેવાયા હતા. હજયાત્રા દરમિયાન જ્યાં ઉતારો અપાયો હતો ત્યાં પણ હોટેલમાં તકલીફનો સામનો કરવો પડયો હતો. હજયાત્રાની શરૂઆત પહેલાં યાત્રીઓ ફડચામાં ગયેલી એરલાઈન્સને અપાયેલા કોન્ટ્રાક્ટને લઈ બળાપો કાઢયો હતો, એ પછી સાઉદી એરલાઈન્સને અમદાવાદથી જેદ્દાહ અને જેદ્દાહથી અમદાવાદ લાવવા-લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી હતી.