કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં આવેલ હતી. આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી. આ એકટની જોગવાઇ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ ને બેઝ ઇયર ગણી તેમાં વાર્ષિક ૧૪% લેખે વૃધ્ધિને આધારે તા.૦૧-૦૭-૨૦૧૭થી તા.૩૦-૦૬-૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી.
આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે ₹૯૦૨૧ કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને આજે ફાળવી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.



