ચોમાસાની શરૂઆતથી જ વરસાદી માહોલ જારી રહ્યો છે. આસામ, ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ વરસાદ ચાલુ રહેશે. રાજધાની દિલ્હીમાં આજે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હરિયાણાના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. IMD અનુસાર, ચોમાસું નિર્ધારિત કરતા પહેલા દેશના દરેક ખૂણે પહોંચી ગયું છે. આજેદે શના 26 રાજ્યોમાં વરસાદની આગાહી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, 4 જુલાઈએ દિલ્હીમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 3 જુલાઈના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. હવામાન વિભાગ અનુસાર 4 જુલાઈએ આસામ, મેઘાલય, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. IMDએ કેરળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.આજે અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને યનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.





