સ્થાનિક હવામાન વિભાગ દ્વારા 6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે, મેઘરાજા રાજ્યમાં ફરી તોફાની બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. તા.07થી 9 જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે. આ બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા સરદાર સરોવર ડેમની ૫રિસ્થિતિની માહિતી આ૫વામાં આવી હતી. છેલ્લા 12 કલાકમાં રાજ્યનાં અમુક તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં ગીર સોમનાથનાં તાલાલામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામકંડોરણામાં 2 ઈંચ વરસાદ અને મેદરડામાં પોણા બે ઈંચ વરસાદ, રાજુલામાં 1.3 ઈંચ, ઉપલેટામાં 1 ઈંચ, ઉમરગામમાં 1 ઈંચ તેમજ વાપીમાં પણ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.