ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત ચીફ ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું છે. જણાવાઈ રહ્યું છે કે, અમેરિકાના હાઈવે 101 પર તેની કારનો અકસ્માત થયો છે. જોકે, તેના મોતની હજુ સુધી સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. જણાવાઈ રહ્યું છે કે, પન્નુ લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તેને ડર હતો કે, છેલ્લા 60 દિવસમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર, અવતાર સિંહ ખાંડા અને પરમજીત સિંહ પંજવારની જેમ તેને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર ભારત સામે ઝેર ઓકતો રહેતો હતો અને ખાલિસ્તાનની સ્થાપનાને લઈને મોટી-મોટી વાતો કરતો રહેતો હતો.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના મોતનો સિલસિલો
છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર પાકિસ્તાની આતંકવાદીઓ જ નહીં પરંતુ ખાલિસ્તાની આતંકવાદીઓના મોતનો સિલસિલો શરૂ થયો છે, જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુનું નવું નામ ઉમેરાયું છે. અમેરિકામાં હાઈવે 101 પર કાર અકસ્માતમાં પન્નુનું મોત થયું છે. આ પહેલા ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ તેમના પછી કમાન સંભાળનાર હરદીપ સિંહ નિજ્જર અને ભારતીય દૂતાવાસ પર હુમલો કરનાર ખાલિસ્તાની આતંકવાદી અવતાર સિંહ ખાંડાનું પણ મોત નીપજ્યું છે. આટલું જ નહીં, કાશ્મીરમાં આતંકવાદ ફેલાવનાર હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર બશીર મીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમ અને જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકવાદી ઝહૂર મિસ્ત્રી પણ માર્યા ગયા છે. આ તમામ આતંકવાદીઓ ભારતમાં મોસ્ટ વોન્ટેડ હતા.






