બોલિવૂડમાં લાંબો સમય વિતાવી ચૂકેલી અભિનેત્રી કાજોલ હવે નવી ફિલ્મો અને વેબ સિરીઝમાં નજરે પડી રહી છે. ‘ધ ટ્રાયલ’ની રિલીઝની તૈયારી કરી રહેલી કાજોલે તાજેતરમાં જ દેશના ‘અશિક્ષિત રાજકારણીઓ’ વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આખરે તેણે પોતાનું મૌન તોડ્યું છે. કાજોલે તાજેતરમાં કહ્યું હતું કે, દેશમાં એવા રાજકીય નેતાઓ છે જેમની પાસે શિક્ષણ નથી. કાજોલની કોમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી રહી છે. 8 જુલાઈના રોજ તેમણે ટ્વિટર પર પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી હતી.
થોડા સમય પહેલા કાજોલે તેના ટ્વિટર એકાઉન્ટ પર તેના ‘અશિક્ષિત નેતાઓ’ના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તેણે ટ્વીટ કર્યું કે,’હું માત્ર શિક્ષણ અને તેના મહત્ત્વ વિશે વાત કરી રહી હતી. મારો ઈરાદો કોઈ રાજકીય નેતાને નીચું બતાવવાનો નહોતો. આપણી પાસે કેટલાક મહાન નેતાઓ છે જે દેશને સાચા રસ્તે લઈ જઈ રહ્યા છે.
દેશના નેતાઓ શિક્ષિત નથી- કાજોલ
એક ખાનગી મીડિયા ચેનલ સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં કાજોલે કહ્યું હતું કે,’ભારતમાં પરિવર્તન ધીમા છે કારણ કે લોકો પરંપરાઓમાં ડૂબેલા છે અને ત્યાં યોગ્ય શિક્ષણનો અભાવ છે. તમારી પાસે એવા રાજકીય નેતાઓ છે જેમની પાસે શિક્ષણ નથી. માફ કરશો, પણ હું બહાર જઈને આ ફરી કહીશ. દેશમાં રાજકારણીઓનું શાસન છે. તેમાંથી ઘણા એવા છે જેમની પાસે યોગ્ય દ્રષ્ટિકોણ પણ નથી, જે મને લાગે છે કે શિક્ષણના અભાવને કારણે છે.
કાજોલની ‘ધ ટ્રાયલ’
અભિનેત્રી કાજોલ વેબ સીરિઝ ‘ધ ટ્રાયલ’ દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે અમેરિકન કોર્ટરૂમ ડ્રામા ‘ધ ગુડ વાઈફ’નું હિન્દી વર્ઝન છે. જિશુ સેનગુપ્તા તેના પતિના રોલમાં જોવા મળશે. વેબ સિરીઝ 14 જુલાઈએ રિલીઝ થવાની છે.