અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હોવાની આશંકાને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.