ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવાથી 34 લોકોના મોત થયા છે. સૌથી વધુ 11 મોત હિમાચલમાં થયા છે. આ સિવાય યુપીમાં 8, ઉત્તરાખંડમાં 6, દિલ્હીમાં 3, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બે-બેના મોત થયા છે.
હિમાચલના મંડીમાં બિયાસ નદીના વહેણમાં 40 વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો છે. દિલ્હીમાં 41 વર્ષ બાદ જુલાઈમાં એક જ દિવસમાં 153 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ઉત્તર રેલવેએ 17 ટ્રેનો રદ કરી છે. 12 ટ્રેનોના રૂટ બદલવા પડ્યા. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનથી રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા છે, જ્યારે રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે.
કુલ્લુ-મનાલીમાં વાદળ ફાટવાને કારણે બિયાસ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે અનેક વાહનો પૂરમાં વહી ગયા હતા. મનાલી-લેહ, ચંદીગઢ-મનાલી સહિત પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ભૂસ્ખલનના કારણે 736 રસ્તાઓ બંધ થઈ ગયા છે. હેરિટેજ કાલકા-શિમલા ટ્રેક પર કાટમાળ પડવાને કારણે ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
હિમાચલમાં ચોમાસાનું આગમન થયું ત્યારથી ભારે તબાહી થઈ છે. મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે બિયાસ નદીમાં અચાનક પાણી વધી ગયું હતું, જેમાં ત્રણ પુલ, એક એટીએમ અને ચાર દુકાનો ધોવાઈ ગઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબના ઘણા વિસ્તારોમાં ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે અંબાલાથી ઉના-અંબ-દૌલતપુર ચોક તરફ આવતી વંદે ભારત સહિત અન્ય ટ્રેનોની અવરજવર અટકી પડી હતી. શ્રીખંડ મહાદેવની યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનના હનુમાનગઢમાં છ ઈંચ પાણી વરસી ગયું છે. બીજી તરફ ઝુંઝુનુ અને સીકરમાં પૂર જેવી સ્થિતિ છે.
શ્રી અમરનાથ યાત્રા ફરી શરૂ
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બે દિવસ માટે સ્થગિત કરાયેલી અમરનાથ યાત્રા રવિવારે ત્રીજા દિવસે પહેલગામ અને બાલટાલ બંને માર્ગોથી ફરી શરૂ કરવામાં આવી હતી. રવિવારે ગુફા મંદિરની આસપાસ આકાશ સ્વચ્છ થયા બાદ ભક્તોને બાબા બર્ફાનીના દર્શન માટે આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે ડોડામાં એક પેસેન્જર બસ ભૂસ્ખલનની ચપેટમાં આવી જતાં ડ્રાઇવર અને કંડક્ટરનું મોત થયું હતું. ઉધમપુરમાં તાવી અને દક્ષિણ કાશ્મીર-શ્રીનગરમાં ઝેલમ નદી ખતરાના નિશાનથી ઉપર છે. કઠુઆ, સાંબા માટે રેડ એલર્ટ જારી કરતી વખતે હવામાન વિભાગે નદી-નાળાની નજીક ન જવાની સલાહ આપી છે.