ભાવનગર,તા.૧૧
ભાવનગર જિલ્લામાં આજે બેવડી હત્યાની ઘટના બની છે. તળાજા તાલુકાના પીંગળી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રાજપુત દંપતીને ગતરાત્રીના સમયે અજાણ્યા શખ્સો તિક્ષણ હથીયારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. અને તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે સુત્રોથી પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો અનુસાર તળાજા તાલુકાના પીંગળી ગામે રહેતા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ (ઉ.વ.૫૨) તથા તેમના પત્નિ વસંતબેન શિવાભાઈ રાઠોડ (ઉ.વ.૪૮)ની તેમના ઘરે ગતરાત્રીના સમયે ઘાતકી હત્યા થવા પામી છે. અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દઈ દંપતીની હત્યા કરી નાખી હતી. આ બનાવ લૂંટના ઈરાદે થયો હોવાની પણ એક આશંકા રહેલી છે. જો કે પોલીસ કાફલો દોડી ગયો છે. અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસ બાદ જ તથ્ય ખુલશે.
આ બનાવમાં વધુમાં પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનનાર શીવાભાઈને ત્રણ પુત્રો છે જેમાં એક વિજયસિંહ રાઠોડ અમરેલીની જેલમાં ફરજ બજાવે છે. તો અન્ય એક પુત્ર સંજયસિંહ રાઠોડ પાલીતાણા ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. જ્યારે ત્રીજા પુત્ર યુવરાજસિંહ સુરત ખાતે સ્થાયી હોવાનું જાણવા મળ્યું છે. પિંગળી ગામે દંપતી પ્લોટ વિસ્તારમાં રહેતું હતું. તેમ સામે આવ્યું છે.



