દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. જૂના દિલ્હી રેલ્વે બ્રિજ પર આજે સવારે યમુનાનું જળસ્તર 207 મીટરને પાર કરી ગયું હતું. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ યમુનામાં પાણી વધી ગયું છે. 12 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું પાણીનું સ્તર 207.08 નોંધાયું હતું, જ્યારે તે સવારે 7 વાગ્યે વધીને 207.18 થઈ ગયું હતું. PTI અનુસાર અત્યાર સુધી યમુનાનું મહત્તમ જળસ્તર વર્ષ 1978માં 207.49 નોંધાયું હતું. અધિકારીઓએ મંગળવારે જ ચેતવણી આપી હતી કે, દિલ્હીમાં યમુના નદી તેનું ઉચ્ચ સ્તર રેકોર્ડ કરી શકે છે. મંગળવારે જ યમુના નદીનું જળસ્તર 10 વર્ષના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.
યમુના નદીમાં જળસ્તર વધવાને કારણે દિલ્હીમાં પૂરનો ખતરો છે. યમુના ખતરાના નિશાનથી 1.36 મીટર ઉપર વહી રહી છે. નદીના વહેણને ઘટાડવા માટે ઓખલા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં યમુનાના જળસ્તરમાં ઝડપી વધારો નોંધાયો છે. તે રવિવારે સવારે 11 વાગ્યે 203.14 મીટરથી વધીને સોમવારે સાંજે 5 વાગ્યે 205.4 મીટર થયું હતું, જે અપેક્ષા કરતાં 18 કલાક વહેલા 205.33 મીટરના જોખમના નિશાનને વટાવી ગયું હતું. સોમવારે રાત્રે જ જૂનો રેલવે બ્રિજ રેલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
દિલ્હીમાં પૂર જેવી સ્થિતિની કોઈ શક્યતા નથી- અરવિંદ કેજરીવાલ
સિંચાઈ વિભાગે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ ઊંચાઈએ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે 45 બોટ તૈનાત કરવામાં આવી છે. આ તરફ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પૂર જેવી સ્થિતિની કોઈ શક્યતા નથી. શહેર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. નદીનું જળસ્તર 206 મીટરથી ઉપર પહોંચતા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ થશે. દિલ્હીમાં નદી પાસેના નીચાણવાળા વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિસ્તારોમાં લગભગ 41 હજાર લોકો રહે છે. ડીડીએ, મહેસૂલ વિભાગની જમીન હોવા છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં નદીના પૂરના વિસ્તારમાં અતિક્રમણ થયું છે.