આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કોંગ્રેસ નેતાઓએ મંગળવારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે બેઠક યોજી હતી. આ દરમિયાન પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ, 17 જુલાઈએ યોજાનારી વિપક્ષની બેઠક અને એનસીપીમાં ભાગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે પાર્ટી બુધવારથી મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે દરેક લોકસભા સીટની જવાબદારી એક વરિષ્ઠ નેતાને સોંપવામાં આવી છે. સપ્ટેમ્બરમાં દરેક જિલ્લામાં પદયાત્રા કાઢવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહારાષ્ટ્રના પ્રભારી એચકે પાટીલ, પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, પૂર્વ સીએમ અશોક ચવ્હાણ, મુકુલ વાસનિક આ બેઠકમાં સામેલ થયા હતા.
વિરોધ પક્ષોની સંખ્યા વધીને 24 થઈ, વધુ નવ પક્ષો જોડાયા
વિપક્ષ, જે લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કમર કસી રહ્યો છે, તે બેંગલુરુમાં 17 અને 18 જુલાઈએ 24 પક્ષો સાથે બેઠક યોજી શકે છે. અગાઉ, NCP, AAP, TMC, DMK, ઝારખંડ મુક્તિ મોરચા સહિત 15 વિરોધ પક્ષોએ પટના બેઠકમાં ભાગ લીધો હતો. KDMK, RSP, VCK, ફોરવર્ડ બ્લોક, કેરળ કોંગ્રેસ જોસેફ, કેરળ કોંગ્રેસ મણિ અને IUML નવા ભાગીદારો છે જેઓ આ વખતે બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.