રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. અજીત ડોભાલે કહ્યું કે, આજના ભારતની ઈમારત સમાન તકોના સિદ્ધાંતો પર બનેલી છે. તેમણે કહ્યું કે, ભારતમાં જુદી જુદી સંસ્કૃતિઓ, ભાષાઓ અને ધર્મોનું મિશ્રણ છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોઈ ધર્મને ખતરો નથી. અજીત ડોભાલે ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.
ભારતમાં પહેલીવાર પાંચ દિવસની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ ડોક્ટર અલ-ઈસાએ દિલ્હીમાં ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં યોજાયેલા એક સભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતના મુસ્લિમોને હિન્દુસ્તાની હોવા પર ગર્વ છે.
આ પ્રસંગે અજીત ડોભાલે સંબોધન દરમિયાન ધર્મ અને આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર નિખાલસતાથી વાત કરી હતી. ડોભાલે જણાવ્યું કે, ભારત વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર અને લોકતંત્રોની જનની અને વિવિધતાની ભૂમિ છે. ભારત વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો અને ભાષાઓનું મિશ્રણ છે. તેમણે કહ્યું કે, સર્વસમાવેશક લોકશાહી તરીકે ભારત તેના તમામ નાગરિકોને તેમની ધાર્મિક, જાતીય અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાન દરજ્જો આપવામાં સંપૂર્ણ સફળ રહ્યું છે.
ડોભાલે વધુમાં જણાવ્યું કે, ભારતીય મુસ્લિમ વસ્તી ઈસ્લામિક સહયો સંગઠન (OIC)ના 33 સભ્ય દેશોની કુલ વસ્તીની લગભગ બરાબર છે. તેમણે કહ્યું કે, પવિત્ર કુરાન વિવિધ પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે એકતા અને સમજણના મહત્વ પર ભાર મૂકે છે. કુરાનનો સંદેશ પરસ્પર પરિચય અને ઓળખાણને સરળ બનાવે છે.