અંતે એશિયા કપ-2023ને લઈને વિવાદનો અંત આવી રહેલો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે સહમતિ સધાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ડરબનમાં ચાલી રહેલી આઈસીસીની બેઠકની સાથે જ બીસીસીઆઈ સચિવ જય શાહ અને પીસીબી ચેરમેન જકા અશરફ વચ્ચે મુલાકાત થઈ હતી જેમાં એશિયા કપને લઈને સહમતિ બની ગઈ છે.
ટૂર્નામેન્ટ પહેલાં સધાયેલી સહમતિના આધારે મતલબ કે હાઈબ્રિડ મોડેલ પર જ એશિયા કપ રમાશે. ટૂર્નામેન્ટના ચાર મુકાબલા પાકિસ્તાનમાં તો નવ મુકાબલા શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે જકા અશરફે જય શાહને એશિયા કપ દરમિયાન પાકિસ્તાન આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. જો કે બીસીસીઆઈએ એ વાતનો સાફ ઈનકાર કરી દીધો છે કે ન તો ટીમ ઈન્ડિયા કે ન તો તેના કોઈ પદાધિકારી પાકિસ્તાન આવે !
એશિયા કપના મુકાબલા 31 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાનના લીગ રાઉન્ડ તેમજ સુપર-4ના મુકાબલામાં દાંબુલામાં રમાશે. જો બન્નેટીમો ફાઈનલમાં પહોંચશે તો તે મુકાબલો પણ દાંબુલામાં જ રમાશે મતલબ કે એક જ મેદાન ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાશે. બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે વર્લ્ડકપ માટે એક તપાસ ટીમ બનાવી છે જે ભારત આવીને ટીમની સુરક્ષાનું નિરીક્ષણ કરશે. આ પછી પાકિસ્તાન ટીમના વર્લ્ડકપમાં રમવા અંગેનો નિર્ણય લેવાશે.
વર્લ્ડકપ પાંચ ઑક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે રમાવાનો છે. પાકિસ્તાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત પાંચ ગ્રાઉન્ડ ઉપર વર્લ્ડકપના મેચ રમવાના છે. પાકિસ્તાન અમદાવાદમાં રમવા અંગે વાંધો વ્યક્ત કરી ચૂક્યું છે એટલા માટે તેના અમુક વેન્યુમાં ફેરફાર થઈ શકે છે જેમ કે 2016માં ટી-20 વર્લ્ડકપ દરમિયાન થયું હતું ત્યારે ધર્મશાલાની જગ્યાએ એક મેચને કોલકત્તા ખસેડાઈ હતી.