મુશળધાર વરસાદ બાદ દિલ્હીમાં પૂરનો ખતરો છે. હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીમાં વધારો થયો છે. બુધવારે રાત્રે 10 વાગ્યા સુધી દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208.05 મીટરે પહોંચી ગયું હતું. ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીમાં યમુનાનું જળસ્તર 208.30 મીટર સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગુરુવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠક બોલાવી છે.
બુધવારે યમુના નદીનું જળસ્તર વધીને 207.83 મીટર થયું હતું. 1978 પછી અહીં યમુનામાં પાણીનું આ સૌથી ઊંચું સ્તર છે, જેના કારણે ડૂબ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં પાણી વધી ગયું છે. યમુનાનું પાણી ઉત્તર દિલ્હીના મુખ્ય રસ્તા પર પહોંચી ગયું છે. કાશ્મીરી ગેટ, રીંગ રોડ, આઈટીઓ પણ પાણી ભરાઈ ગયા છે. પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી અને કનોટ પ્લેસના કેટલાક માર્ગો પર પણ યમુનાનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં નદી કિનારે કલમ 144 જાહેર કરવામાં આવી છે અને કાંઠાળ વિસ્તારમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં વરસાદની તીવ્રતા ઘટી જતા હવે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ઓફીસ, ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનસ, કાશ્મીરીગેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાવા શરુ થઇ ગયા છે. નેશનલ ડીઝાસસ્ટર રીલીફની ટુકડીઓ અને દિલ્હી નગરનીગમ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. યમુના નદીના કાંઠે અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને દૂર હટી જવા, તેમની ઘરવખરી ઉપાડી ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે બચાવ ટુકડીની રાહ જોયા વગર જ લોકોને આપમેળે ખસી જવા અપીલ કરી છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ ગુરુવારે દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની બેઠક બોલાવી છે જેમાં પૂરની પરિસ્થિતિ અને તેમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી યાગ્ય કામગીરી માટે ટુકડીઓ કામે લગાડવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. કે આગામી દિવસોમાં નવી દિલ્હી ખાતે જી૨૦ રાષ્ટ્રની બેઠક થવાની છે ત્યારે પૂરના સમાચારથી દિલ્હીનું નામ ખરડાય અને દેશની છબિ બગડે એવી સંજોગો ઉભા થયા છે.
ભારે વરસાદ, પુર અને ભૂસ્ખલનના કારણે હિમાચલ પ્રદેશમાં ૪,૦૦૦ કરોડનું નુકસાન
દિલ્હીમાં પુરની સ્થિતિ વચ્ચે બીજી બાજુ ઉત્તર ભારતમાં વરસાદ બંધ કે મંદ પડતા હવે ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં રાહત અને બચાવની કામગીરી ઉપર સત્તાવાળાઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પંજાબ અને હરિયાણામાં વરસાદના કારણે ૧૫ અને ઉત્તર પ્રદેશમાં લગભગ ૧૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભારે વરસાદ, પુર અને ભૂસ્ખલનના કારણે હિમાચલ પ્રદેશમાં રૂ.૪,૦૦૦ કરોડનું નુકસાન થયું હોવાનો રાજ્ય સરકારનો અંદાજ છે.