પાટનગર દિલ્હીમાં ભયંકર પુરની હાલત સર્જાઈ છે. હરીયાણામાંથી પાણી છોડવામાં આવ્યાને પગલે યમુનાનું જળસ્તર ખતરનાક રીતે વધી જવાને પગલે પાટનગરનાં અનેક ભાગો યમુનાના પાણી હેઠળ ડુબી ગયાની હાલત સર્જાઈ છે અને ભારે તારાજી થઈ છે. દિલ્હીમાં યમુના નદીની સપાટી આજે રેકોર્ડ સ્તરે પહોંચી હતી જેને પગલે પાટનગરનાં અનેક ભાગોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સુધી પાણી પહોંચ્યા હતા.
પુર પરિસ્થિતિને પગલે નીચાણવાળા ભાગોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. યમુના નદી ગાંડીતુર બની હોય તેમ દરીયા જેવા મોજા ઉછળવા લાગ્યા હતા અને તેના પાણી પાટનગરનાં વિસ્તારોમાં ઘુસ્યા હતા. કાશ્મીરી ગેટ રાજઘાટ, રીંગરોડ સુધી પાણી ઘુસી ગયા હતા.માર્ગો પાણીથી લથબથ થતા અનેક રસ્તાઓ પર ટ્રાફીક વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પાટનગર પૂર પરિસ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા એલજી દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.દિલ્હીનાં માર્ગો તથા પાટાઓ પર પાણી ભરાવાને પગલે ટ્રેનોની સ્પીડ ઘટાડી દેવામાં આવી હતી 200 થી વધુ ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે રેલવેને મોટુ નુકશાન હોવાના નિર્દેશ છે.
મેટ્રો ટ્રેનની સ્પીડ પણ ધીમી રાખવાની સુચના આપવામાં આવી છે. પાટનગર દિલ્હી ઉપરાંત આસપાસનાં ગામડાઓ પણ પૂરથી પ્રભાવીત થયા છે.જળબંબાકારની હાલતને પગલે સેંકડો લોકો મકાનોની છત પર રહેવા લાગ્યા છે. કાશ્મીર ગેટ જેવા વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકો મંદિરોની છત પર પહોંચી ગયા હતા. સરકાર દ્વારા લોકોને સુરક્ષીત સ્થળોએ સ્થળાંતર કરવાની સુચના આપવામાં આવી હતી. હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી જ છે.