શુક્રવાર આજે શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ચંદ્રયાન-2’ મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર ‘વિક્રમ’ પાથના વિચલનને કારણે સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે.
ચંદ્રયાન 3 આજે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે. ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.