ભારતના મહત્વકાંક્ષી મીશન મુનના એક ઐતિહાસિક કદમમાં આજે ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતિષ ધવન રોકેટ લોન્ચીંગ સ્ટેશનથી ચાંદની સફર પર સફળતાપૂર્વક રવાના થયું છે. બપોરે 2.35 કલાકે બાહુબલી રોકેટ એલવીએમ-3ની સાથે ચંદ્રયાન-3નું રોવર તથા લેન્ડર તેની 3.84 લાખ કિલોમીટર સફર પર રવાના થતા જ લોન્ચીંગ સેન્ટર પર સૌના ચહેરા પર એક સફળતાનું સ્મિત નજરે ચડયું હતું
615 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ 43.5 મીટર લાંબુ ’બાહુબલી’ રોકેટ ચંદ્રયાન સાથે ઉડાન ભર્યુ હતું. ISROનું સૌથી મોટું અને ભારે રોકેટ છે. ઈસરોના વૈજ્ઞાનિકો તેને પ્રેમથી ’ફેટ બોય’ કહે છે. લોન્ચ થયા પછી રોકેટ કેવી રીતે આગળ વધશે? ચંદ્રયાન ચંદ્ર પર ઉતરતા પહેલા શું કરશે અને કયા સમયે ચંદ્ર પર લેન્ડીંગ કરવાનો પ્રયાસ કરશે તે જાણવાનું રહેશે. તેના માટે સૂરજની વિશેષ ભૂમિકા છે. વૈજ્ઞાનિકોના મતે ચંદ્રયાન-3 અવકાશયાન માત્ર 16 મિનિટની ઉડાન બાદ જ રોકેટમાંથી બહાર આવશે. તે સમયે ઊંચાઈ 179 કિમી હશે. અપના યાન 170 કિલોમીટરના અંતરે લંબગોળ માર્ગ પર લગભગ 5-6 વખત પૃથ્વીની આસપાસ ફરશે. પરિભ્રમણ ગતિ પ્રાપ્ત કર્યા પછી, તે એક મહિનાના પરિભ્રમણ બાદ ચંદ્ર તરફ આગળ વધશે. મૂળ ભ્રમણકક્ષામાં, તે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર પહોંચશે.
ચંદ્રયાન-3 3.84 લાખ કિમીનું અંતર કાપશે. લેન્ડર 23-24 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડ થવાની અપેક્ષા છે. જોકે, ફિક્સ પોઝીશન પર પહોંચ્યા બાદ લેન્ડરે નિર્ણય લેવો પડશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરતા પહેલા સૂર્યના કિરણની રાહ જોવી પડશે. જ્યારે રોવર પ્રજ્ઞાન સાથેનું લેન્ડર વિક્રમ ચંદ્રની નજીક પહોંચશે, ત્યારે તે સૂર્ય ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી લેન્ડ કરવાનો પ્રયાસ કરશે નહીં.ચંદ્રયાન-3 સૂર્યપ્રકાશમાં જ ચંદ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસો બરાબર છે. આ સમય દરમિયાન રોવર ચંદ્ર પર પોતાનું કામ પૂર્ણ કરશે. કેમેરા દ્વારા ઈસરોને તસવીરો પણ મોકલશે.
ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરવાની તારીખ પણ બદલાઈ શકે છે. ચંદ્ર પર સૂર્યોદયના સમય પર નિર્ભર રહેશે. ઈસરોના ચીફે કહ્યું છે કે જો કોઈ કારણસર ચંદ્રયાન-3ના લેન્ડિંગમાં વિલંબ થાય છે, તો તે આવતા મહિને સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવશે.