ગુજરાત પર સક્રિય થયેલી બે વરસાદી સિસ્ટમના કારણે આવતીકાલ 18 જુલાઇથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લગભગ એક સપ્તાહ સુધી રાજ્યમાં ઠેર ઠેર મુશળધાર વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આજે 17 જુલાઇએ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર શરુઆત કરી છે અને જૂન-જુલાઇ માસમાં જ સારો વરસાદ પડ્યો છે ત્યારે આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થશે અને ત્રીજા રાઉન્ડમાં પણ મેઘો સમગ્ર ગુજરાતને ઘમરોળશે.
ખાસ કરીને 20 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં પણ 19 જુલાઇએ રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.