સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે અને ભૂસ્ખલન અને પૂર બાદ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સોમવારે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 205.94 મીટરે પહોંચ્યું હતું, જે 205.33 મીટરના ખતરાના નિશાનથી ઉપર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી પણ ભારે વરસાદથી કોઈ રાહત નથી. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
રાજધાની દિલ્હી પણ આ સમયે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહી છે, જ્યારે હવામાન વિભાગે મંગળવારે શહેરમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે મંગળવાર માટે ‘યલો’ એલર્ટ જારી કર્યું છે, જેમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. સતત હળવાથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં 720 રસ્તાઓ બંધ છે, જ્યાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિક હવામાન કચેરીએ 21 જુલાઈ સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે અને 23 જુલાઈ સુધી વધુ વરસાદની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
એક ન્યુઝ એજન્સી અનુસાર, સોમવારે હરિયાણામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ ચાર લોકોના મોત થયા છે. વધુ ચાર લોકોના મોત સાથે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. અંબાલા, ફતેહાબાદ, ફરીદાબાદ, કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, પાણીપત, પંચકુલા, પલવલ, સિરસા, સોનીપત અને યમુનાનગર પૂરથી પ્રભાવિત થયા છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓમાં ઉછાળો આવ્યો છે અને રાજ્યના 10 જિલ્લાના 396 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. આ 10 જિલ્લામાં અલીગઢ, બિજનૌર, ફરુખાબાદ, ગૌતમ બુધ નગર, ગાઝિયાબાદ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર અને શામલીના કુલ 396 ગામોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.