ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છેઆજે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. રાજ્યમાં સીઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાય ચૂક્યો છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે.