આખું સૌરાષ્ટ્ર પૂરના પાણીથી વેરવિખેર થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. ચારેતરફ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. આ કારણે ટ્રેન અને બસ વ્યવહાર પણ ખોરવાયો છે. સૌરાષ્ટ્ર જતી અનેક રુટની ટ્રેનો થંભાવી દેવાઈ છે. સતત પડી રહેલા વરસાદથી જુનાગઢ, પોરબંદરના ઘેડ પંથક જળબંબાકાર થયા છે
જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સાંજે ચાર કલાક દરમિયાન 10 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ ખાબક્યો હતો. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખંભાળિયામાં સવારે બે કલાક દરમિયાન 5 ઈંચ સુધી ખાબક્યો હતો. તો વિસાવદરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ કારણે સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવ્યુ છે. પૂરના પાણી શહેરો, ગામડાઓમાં ધસી આવ્યા છે.




