ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે રાજ્યના 163થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 42 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ચૂક્યો હતો. જેમાં સૌથી વધુ ભાવનગરમાં વરસ્યો હતો.
સુરત, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. કચ્છમાં હળવાથી ત્રણ ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. માંડવી તાલુકામાં મેઘમહેર થઈ હતી. જે બાદ ગઢશીશા પાસેનો ખારોડ ડેમ ઓવરફ્લો થયો હતો. જેથી નયનરમ્ય નજારો સર્જાયો હતો.
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આગામી દોઢ વર્ષ રાજ્યને પીવાનું પાણી અને સિચાંઈનું પાણી આપી શકે એટલો સક્ષમ થઈ ગયો છે. નર્મદા બંધમાં હાલ પાણીની આવક 1,85,484 ક્યુસેક થઇ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સરેરાશ આવક ને કારણે 61 સેમીનો વધારો નોંધાયો છે. નર્મદા બંધની જળસપાટી ગઇકાલે સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.86 મીટરે નોંધાઈ હતી અને આજે આ નર્મદા ડેમની સપાટી 128.11 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 61 સે.મી. નો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પાણીની આવક સતત ચાલુ જ છે એટલે નર્મદા બંધમાં પાણીની અવાક થતી રહેશે. જેને કારણે તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે.