ભાવનગર, તા.૨૪
શહેરના વિદ્યાનગર વળીયા કોલેજ પાસે આજથી 10 વર્ષ પૂર્વે ઘર પાસે બમ્પ નાખવાની સામાન્ય બાબતે ચાલી રહેલા ઝઘડાની દાજ રાખી એક મહિલા સહિત છ શખ્સો એક કાવતરુ રચી બે વ્યક્તિઓને જાહેરમાં છરી અને તલવારોના ઘા ઝીકી રહેશી નાખ્યા હતા. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા મહિલા સિવાય પાંચ આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં બમ્પ નાખવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે બે થી ત્રણ વખત ઝઘડા થયેલા તેની દાજ રાખી રાજુભાઈ પોપટભાઈ ઉર્ફે જીવાભાઇ રાઠોડ, જીતેશભાઈ ઉર્ફે જીતુ પોપટભાઈ ઉર્ફે જીવાભાઈ રાઠોડ, જેન્તીભાઈ ઉર્ફે ગેમલ ચીથરભાઈ મકવાણા, પ્રવીણભાઈ ઉર્ફે સાયમન્ડ પ્રતાપભાઈ ચૌહાણ, સંજયભાઈ પ્રતાપભાઈ ચૌહાણ તેમજ રેખાબેન જયંતીભાઈ મકવાણા સહિત છ શખ્સોએ એકસંપ કરી કાવતરૂ રચીને તા.૧૬-૯-૨૦૧૩ના રોજ બપોરના સાડબાર વાગ્યાના સુમારે વિનોદભાઈ જેન્તીભાઇ મકવાણા તથા જેન્તીભાઇ પોપટભાઇ મકવાણા અને હાર્દિક જેન્તીભાઇ મકવાણા તથા રમેશભાઈ પોપટભાઈ મકવાણા સીટી મામલતદાર કચેરીએ જતા હતા ત્યારે તેમના બાઈક સાથે ભટકાડી પછાડી દઈ વિનોદભાઈ તથા તેના પિતા જયંતીભાઈ ઉપર આડેધડ ઝરીઓ તથા તલવારના ઘા ઝીકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. તેમને બચાવવા વચ્ચે પડતા હાર્દિક જયંતીભાઈ તેમજ રમેશભાઈ પોપટભાઈને પણ છરીઓના ઘા ઝીકતા તેઓને ઇજા થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયેલ આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ નિર્મલસિંહ રાણાએ હત્યા, કાવતરૂ રચવા સહિતની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલો ઉત્પલભાઇ દવે, યશપાલસિંહ રાઠોડ, હિમાંશુ નાવડીયા, સંજય મકવાણા, યેશા દવે, સમીર લંગાળીયા, જેમીશ દવે તથા સમર્થ શેઠ અને આશિત ભટ્ટની દલીલો, સાક્ષી, આધાર પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે મહિલા સિવાય તમામ પાંચ આરોપીઓને કસુરવર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.