સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના દ્રશ્યો સર્જાયાં છે. લોકો મેઘરાજાને હવે ખમૈયાં કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે ગુજરાતવાસીઓને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટી જશે. જોકે દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
77 ડેમ હાઈએલર્ટ પર
સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના નદી-નાળા છલકાઈ ઊઠ્યાં છે રવિવાર સુધીમાં રાજ્યના મુખ્ય 207 ડેમમાં 53.83 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે 49 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તેમજ 77 ડેમ હાઈએલર્ટ પર છે. સાર્વત્રિક વરસાદના પગલે ગુજરાતમાંથી પીવાના પાણીનું સંકટ દૂર થયું છે.
ભારેથી અતિભારે વરસાદ વરસશે – અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. 26મી જુલાઈએ દરિયામાં ડિપ્રેશન સર્જાશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.