ભાવનગર,તા.25
ભાવનગર મહાપાલીકાના શાસકો અને તંત્ર વાહકોની વહીવટની અણ આવડતના કારણે આજે વર્ષો પછી પણ શહેરના દાણાપીઠ અને તેના સંલગ્ન વિસ્તારો સામાન્ય વરસાદ પડતા જળમગ્ન બની જાય છે, ભાવનગરને વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી રહી છે અને તેનો ખર્ચ પણ થઈ રહ્યો છે છતાં આ વિસ્તારની સમસ્યાનો હલ વર્ષો પછી પણ આવ્યો નથી. પરિણામે દર વર્ષે ચોમાસામાં દાણાપીઠ અને રેલવે સ્ટેશન પાણીમાં ડૂબી જાય છે.
શહેરની દાણાપીઠ અને સંલગ્ન બજારો, રેલવે સ્ટેશન વિગેરે ભૌગોલિક દ્રષ્ટિએ નિચાણવાળા વિસ્તારમાં છે, આ કારણે શહેરમાં અડધો ઇંચ કે એક ઇંચ વરસાદ પડે તો પણ દાણાપીઠમાં પાણી ભરાઈ જાય છે અને વાહન વ્યવહાર અટકી જાય છે,આનાથી વધુ વરસાદ આવે તો પાણીના સરોવર ભરાય છે અને વેપારીઓની દુકાન પણ તેમાં ડૂબી જાય છે તેના કારણે પ્રતિવર્ષ વેપારીઓનો માલ સામાન પલળી જાય છે અને નુકસાની વેઠવી પડે છે. બીજી બાજુ રેલ્વે સ્ટેશન પણ પાણીમાં ડૂબી જવાના કારણે બહારગામથી આવતા યાત્રીકો તેમજ અહીથી જતા યાત્રિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. વર્ષોથી આ સમસ્યા છે છતાં આજદિન સુધી તેનો ઉકેલ લાવવામાં શાસકો અને તંત્ર વાહકો નિષ્ફળ રહ્યા છે. પ્રતિવર્ષ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને વપરાઈ જાય છે પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ થતો નથી જેથી વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં શનિવારે અને રવિવારે પડેલા ભારે વરસાદમાં આ વિસ્તાર ફરી જળમગ્ન બની ગયો હતો અને વેપારીઓના દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા તો ટ્રેન આવતા યાત્રીકો કલાકો સુધી રેલ્વે સ્ટેશનમાં જ ફસાયેલા રહ્યા હતા તો કેટલાકે બહાર નીકળવા લારીનો સહારો લીધો હતો. રીક્ષા સહિતના કોઈપણ વાહનો રસ્તા પર ચાલી શકે તેવી સ્થિતી ન હતી આથી લોકો લારીમાં મુસાફરી કરવા મજબૂરી બન્યા હતા અને વ્યક્તિ દીઠ રૂપિયા 100 – 100 પણ ચૂકવ્યા હતા જેનો વિડિયો પણ હાલ ભારે વાયરલ થયો છે.!