ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે સોમવારે જાહેરાત કરી કે તેઓ મૈસુરના સુપ્રસિદ્ધ રાજા ટીપુ સુલતાન પર બની રહેલી ફિલ્મ બંધ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેની પાછળનું કારણ એ છે કે તેમને, તેમના પરિવાર અને મિત્રોને ટીપુના અનુયાયીઓ તરફથી ધમકીઓ મળી રહી છે. ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે સોમવારે ટ્વિટર પર ટીપુ સુલતાન પર બની રહેલી વિવાદાસ્પદ ફિલ્મને બંધ કરવાની જાહેરાત કરી.
સંદીપ સિંહે શું કહ્યું
તેમણે ટ્વીટ કર્યું કે, હઝરત ટીપુ સુલતાન પર ફિલ્મ નહીં બને. હું મારા સાથી ભાઈઓ અને બહેનોને અનુરોધ કરું છું કે મારા પરિવાર, મિત્રો અને મને ધમકાવવા કે દુર્વ્યવહાર ન કરે. જો મેં અજાણતાં કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું. સંદીપ સિંહે નિવેદનમાં વધુમાં કહ્યું, “આવું કરવાનો મારો ઈરાદો ક્યારેય ન હતો, કારણ કે હું તમામ માન્યતાઓનું સન્માન કરવામાં દ્રઢપણે માનું છું. ભારતીયો તરીકે, ચાલો આપણે હંમેશા એક થઈએ અને હંમેશા એકબીજાને સન્માન આપીએ!”
ક્યારે કરી હતી ફિલ્મની જાહેરાત
આ ફિલ્મ સંદીપ, ઈરોઝ ઈન્ટરનેશનલ અને રશ્મિ શર્મા ફિલ્મ્સ દ્વારા સહ-નિર્માણ થવાની હતી. આ ફિલ્મ કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થવાની હતી. આ ફિલ્મની જાહેરાત મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. જ્યારે ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે સંદીપે કહ્યું હતું કે ટીપુ સુલતાનની વાસ્તવિકતા જાણીને હું ચોંકી ગયો હતો. વાર્તાએ મારા રૂંવાડા ઉભા કરી દીધા.
આ વાતથી લોકો થયા નારાજ
તેમણે કહ્યું હતું, આ એ સિનેમા છે જેમાં હું અંગત રીતે માનું છું. પીએમ નરેન્દ્ર મોદી હોય, સ્વાતંત્ર્યવીર સાવરકર હોય, અટલ હોય કે બાલ શિવાજી હોય – મારી ફિલ્મો સત્ય પર આધારિત છે. મને લાગે છે કે લોકો જાણતા હતા કે ટીપુ સુલતાન કેટલો અત્યાચારી હતો, પરંતુ તેઓએ તેને અવગણવાનું પસંદ કર્યું. અને આ એ જ છે જે હું 70mm પર દર્શાવવા માંગુ છું. સાચું કહું તો તે સુલતાન કહેવાને પણ લાયક નથી.
તેમણે કહ્યું હતું કે ‘જેવું કે આપણા ઈતિહાસના પાઠ્યપુસ્તકોમાં બતાવવામાં આવ્યું છે, તેમને બહાદુર વ્યક્તિ માનવા માટે મારું મગજ ખરાબ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તેની દુષ્ટ બાજુ કોઈ જાણતું નથી. હું આવનારી પેઢી માટે તેની ડાર્ક સાઇડને ઉજાગર કરવા માંગુ છું.’