ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે પોલીસે ઘણા પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ તથ્ય સાથે કારમાં સવાર અન્ય 5 મિત્રોના પણ નિવેદન લેવામાં આવ્યા છે જેનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે. ચાર્જશીટમાં FSL, DNA, જેગુઆર કંપની સહિતના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો છે. અગાઉ કરેલા 2 અકસ્માતોની તમામ વિગોતોનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.
પોલીસે અકસ્માત કેસમાં કલમ 308 પણ દાખલ કરી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે 5 હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. આ 5 હજાર પેજની ચાર્જશીટ પોલીસ આજે કોર્ટમાં ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું કહ્યું હતું. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આજે ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. ચાર્જશીટ થયા બાદ તથ્યનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
ઇસ્કોનબ્રિજ પર સર્જાયેલા અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી, તે જાણવા માટે પોલીસે અલગ-અલગ એજન્સીઓની મદદ લીધી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે જેગુઆર કંપનીએ UKથી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો છે. રોડ પર પૂરતી લાઈટ ન હોવાનું તથ્ય પટેલે બહાનું કાઢ્યું હતું. આરોપી તથ્ય પટેલે પોલીસને આપેલા નિવેદનમાં ખોટું બોલ્યો હતો. જેગુઆર કંપનીએ રિપોર્ટમાં 300 મીટર સુધી લાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ જગુઆર કંપનીએ ગાડીમાં કોઈ ખામી નહીં હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું અને કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ કમિશર, 3 DCP, JCP, 5 PI તપાસમાં જોડાયા
અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે. તથ્ય પટેલ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર, 3 DCP, JCP, 5 PI તપાસમાં જોડાયા છે.