ઇન્ટરનેશનલ કક્ષાના સુખ્યાત કલાકારો તથા બોલીવુડમાં પ્લેબેક સીંગર તરીકે કાર્યરત કલાકારો હવે કલાનગરી ભાવનગરમાં પણ વિવિધ કાર્યક્રમોમાં આવતા થયા છે. આવો જ એક કાર્યક્રમ આજે શુક્રવારે રાત્રે ‘જલ્સા નાઇટ-૯’ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમમાં યોજાઇ રહ્યો છે. જગત ભટ્ટ દ્વારા આયોજીત મ્યુઝિકલ નાઇટની આ વર્ષની શ્રેણીનો આ નવમો કાર્યક્રમ છે અને જેમાં મુંબઇથી કલાકારો ભાવનગરના મહેમાન બન્યા છે.
એ.આર. રહેમાનના સંગીત સાથે બનેલી ફિલ્મ ‘તાલ’ સહિતની અનેક ફિલ્મોમાં પ્લેબેક સીંગર તરીકે પોતાનો અવાજ આપી ચુકેલ જાણીતી કલાકાર સુજાતા ત્રિવેદી, રેર વોઇસ ઓફ રફી તરીકે સુખ્યાત ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ પ્રસન્ન રાવ તથા ઇન્ડિયન આઇડોલ ફેમ સીતારવાદક અલ્તાફખાન સહિતના કલાકારો આજે આ કાર્યક્રમમાં પોતાની પ્રસ્તુતિ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં પોતાની કલા પ્રસ્તુતિ કરવી તેને કલાકારો કસોટી અને ગૌરવ સમજતા હોય છે.