મહેસાણા સરદાર પટેલ સેવાદળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના સેવાકાર્યોને બિરદાવ્યા હતા તેમજ પાટીદાર સમાજને જ્યાં જ્યાં મુશ્કેલી ઉભી થશે ત્યાં સરકાર સાથે રહેશે તેમ જણાવ્યું હતું. છોકરીઓને ભગાડી જવાના બનાવો અટકાવવા બાબતે પણ મુખ્યમંત્રીએ ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું હતું આ બાબતે પણ સ્ટડી કરી સારો રિઝલ્ટ મળી શકે તેવા પ્રયત્નો કરીશું.
નીતિન પટેલે જણાવ્યું કે, હાલમાં દીકરીઓમાં બે પ્રકારના પ્રશ્નો છે. જેમાં એક લવ જેહાદનો પ્રશ્ન છે જે સમગ્ર દેશમાં છે. તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મની દીકરીઓને લલચાલી ફોસલાવી ખોટું નામ અને ધંધો બતાવી તેમજ દીકરીને તે હિન્દુ છે તેવું બતાવી વિધર્મી યુવકો દીકરીને છેતરીને લઈ જાય છે. તે લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરે છે. તેમણે કહ્યું કે, બીજા કિસ્સામાં આપણા જ લોકો દીકરીઓને ભોળવીને લગ્ન કરી લે છે અને મા બાપને વાત કરતા નથી અને પરિવારની સમંતિ લીધા વિના ભાગી જાય છે. જે તમામ બાબત અટકાવવા દરેક સમાજે સરકારમાં રજૂઆત કરી છે.