પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને તેનો પ્રેમી સચિન હાલ રબુપુરામાં કોઈ બીજાના ઘરમાં રહે છે. સીમા-સચિન અને સચિનના પિતાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સચિનના પિતાએ જણાવ્યું કે પોલીસ કેસના કારણે આખો પરિવાર ઘરમાં જ રહે છે. તેઓ બહાર પણ જઈ શકતાં નથી. ઘરની પરિસ્થિતિ યોગ્ય નથી. ખાન-પાનની ઘણી મુશ્કેલી પડી રહી છે.
સચિનના પિતા નેત્રપાલે કહ્યું કે, અમે એવા લોકો છીએ જે રોજ કમાઈએ છીએ અને ખાઈએ છીએ. પરંતુ જ્યારથી પોલીસે તેમને ઘરની બહાર ન નીકળવાનું કહ્યું ત્યારથી તેઓ કંઈ કમાઈ શક્યા નથી. બસ આખો દિવસ ઘરમાં જ રહે છે. ખાવા-પીવાના સાંસા પડી ગયા છે. ઘરમાં રાશન પણ બચ્યું નથી. અમે આ માટે સ્થાનિક HROને પત્ર પણ લખ્યો છે. જેથી તેઓ અમારી વાત વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડી શકે.
નેત્રપાલે મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી કે આ માટે કોઈક ઉકેલ શોધવો જોઈએ. એવામાં તે લોકોના ભૂખ્યા રહેવા સુધીની પરિસ્થિતિ આવી ગઈ છે. કોઈપણ સભ્ય બહાર જઈ શકતું નથી. રૂપિયા કમાવવાનો બીજો કોઈ રસ્તો નથી. તેમણે કહ્યું, “અમારો મુદ્દો વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચાડવો જોઈએ. જેથી આના માટે કોઈક ઉપાય શોધી શકાય અને આપણું ગુજરાન ચાલી શકે.
હાલમાં જ સીમા હૈદરના મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવક સચિન મીણાના સંબંધી જણાવવામાં આવી રહ્યા છે. તેમની ખોટા આધારકાર્ડ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમની પાસેથી 15 ખોટા આધારકાર્ડ પણ મળી આવ્યાં છે. પોલીસને તેમની પાસેથી આધારકાર્ડ બનાવતું ડિવાઇસ પણ મળી આવ્યું છે. ત્યાં જ, પોલીસ આ મામલે વધારે ખુલાસો કરવાથી બચી રહી છે. નોંધનીય છે કે આ ધરપકડ સચિનના કહેવાથી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સીમા હૈદર કેસ આ દિવસોમાં સતત જોર પકડી રહ્યો છે. તેથી, નોઇડા પોલીસે સીમા પાસેથી મળેલા પાસપોર્ટ, સીમાની પાકિસ્તાની ઓળખના દસ્તાવેજ, બાળકોના પાસપોર્ટ સહિત અન્ય દસ્તાવેજો પાકિસ્તાન એમ્બેસીને મોકલી આપ્યા છે. જેથી કરીને ખાતરી થઈ શકે કે સીમા પાકિસ્તાની છે કે નહીં. બીજી તરફ, શું ખરેખર સીમા પાસેથી ઝડપાયેલા મોબાઈલ ફોનમાંથી ડેટા ડિલીટ કરવામાં આવ્યો હતો? જોકે, સીમાએ દાવો કર્યો હતો કે તેણે કોઈ ડેટા ડિલીટ કર્યો નથી.