ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે સામાન્ય લોકોને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ 1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડર ના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,680 રૂપિયા થઈ ગઈ છે. જે 31 જુલાઈ સુધી 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. બીજી તરફ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ 1 માર્ચથી સ્થિર છે.
દેશની સૌથી મોટી ગેસ માર્કેટિંગ કંપની ઈન્ડેનની વેબસાઈટ પર આપવામાં આવેલી પ્રાઇસ લિસ્ટ અનુસાર દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા પ્રતિ સિલિન્ડર હશે. એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1802.50 રૂપિયા, મુંબઈમાં 1640.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1852.50 રૂપિયા થઈ જશે.
કિંમતોમાં ઘટાડાની વાત કરીએ તો ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓગસ્ટ 2022 ની સરખામણીમાં, કિંમતો હવે 296.5 રૂપિયા ઓછી છે. 1 ઓગસ્ટ 2022ના રોજ સિલિન્ડરની કિંમત 1976.50 રૂપિયા હતી, જ્યારે આજે કિંમત ઘટીને 1680 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.





