આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. લોટ, દૂધ અને શાકભાજી જેવી રોજીંદી ચીજવસ્તુઓ માટે પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 19 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર તેલની કિંમતોમાં નવીનતમ વધારો જુલાઈના છેલ્લા દિવસે એટલે કે 31 જુલાઈ 2023ના રોજ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં પેટ્રોલની વર્તમાન કિંમતમાં 19.95 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 19.90 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો 1 ઓગસ્ટ 2023થી લાગુ થઈ ગઈ છે.
પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયેલા વધારા બાદ હવે પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 272.95 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સાથે ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. 19 રૂપિયાના વધારા બાદ દેશમાં એક લિટર ડીઝલની કિંમત 273.40 રૂપિયા થઈ ગઈ છે. આ વધારા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે 253 રૂપિયા પ્રતિ લીટર અને 253.50 રૂપિયા પ્રતિ લીટર હતા.