કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.કેન્દ્રીય મંત્રી માટે ભુંતર એરપોર્ટની બહાર બુલેટપ્રૂફ વાહન મૂકવામાં આવ્યું હતું પરંતુ નીતિન ગડકરી ત્યાં પહોંચ્યા કે તરત જ તેમણે વાહન બદલવાનું કહ્યું. જેને લઈ તેમની સૂચના બાદ ફ્લેગવાળા વાહનને હટાવીને ત્રણ નંબર પર પાર્ક કરેલી ટેક્સીને આગળ બોલાવવામાં આવી હતી. નીતિન ગડકરીએ આ વાહનમાં ઉબડખાબડ રસ્તાઓ પર કલાકો સુધી મુસાફરી કરી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાડે લીધેલી આ ટેક્સીમાં આગળની સીટ પર બેઠા હતા અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, વિપક્ષના નેતા જયરામ ઠાકુર અને જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહ ટેક્સીની વચ્ચેની સીટ પર બેઠા હતા, જ્યારે NHAIના વરિષ્ઠ અધિકારીઓ પાછળની સીટ પર બેઠા હતા.
નોંધનીય છે કે, અગાઉ દિલ્હીમાં ICEMAના વાર્ષિક સત્રમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે હવે ટ્રકમાં એસી કેબિન ફરજિયાત બનાવી છે અને કામના કલાકો નક્કી કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે હવે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. પાંચ વર્ષમાં અમે રૂ.15 લાખ કરોડના ઓટોમોબાઈલ ઉદ્યોગને વિશ્વનું નંબર વન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.
બિયાસ નદીમાં પૂરના કારણે કિરાતપુર-મનાલી ફોર-લેનને થયેલા નુકસાનની સમીક્ષા કરવા પહોંચેલા કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી કુલ્લુથી મનાલી સુધીના પ્રવાસમાં નવ જગ્યાએ રોકાયા હતા. મંત્રીએ પૂરના કારણે સમગ્ર વિસ્તારમાં થયેલ નુકસાન જોયું અને અસરગ્રસ્તો સાથે પણ વાત કરી. પૂરના કારણે થયેલી તબાહી જોઈને અને અસરગ્રસ્તોની પીડા સાંભળીને નીતિન ગડકરી પણ ઘણી વખત ભાવુક થઈ ગયા હતા.





