અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 7 દિવસનો રહેશે. જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પૂજા-અર્ચના કરીને રામ મંદિર દેશને સમર્પિત કરશે. પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે પ્રધાનમંત્રી દેશવાસીઓને ટૂંકું સંબોધન પણ કરશે. PMના સંબોધન પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, મહંત નૃત્ય ગોપાલ દાસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધન કરશે.
પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં કોઈ પબ્લિક મીટિંગનું આયોજન કરવામાં આવશે નહીં. 16થી 24 જાન્યુઆરી વચ્ચે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે, પરંતુ અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીના સમયની ઉપલબ્ધતા પર નક્કી થશે. પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે RSSના 36 સંગઠનોના લોકો હાજર રહેશે. સંઘના સંઘચાલક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. સાથે જ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપની સાથે બીજા અન્ય પક્ષોના લોકોને પણ આમંત્રણ આપવા પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ એવા જ પક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવશે, જે કાર્યક્રમમાં સામેલ થવાની ગેરેન્ટી લેશે.
મળતી માહિતી મુજબ, પ્રાણ-પ્રતિષ્ઠા મંદિર પરિસરમાં જ થશે. આ માટે મંદિર પરિસરમાં સ્ટેજ બનાવવામાં આવશે નહીં અને કોઈ ટેબલ પણ રાખવામાં આવશે નહીં. પ્રાણ-પ્રતિષ્ઠા સ્થળથી દૂર સ્ટેજ બનાવવામાં આવશે. જેમાં મર્યાદિત મહેમાનો માટે જ ખુરશીઓ રાખવામાં આવશે. પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે મર્યાદિત લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. અંદાજે 5000 આસપાસ લોકોને આમંત્રણ આપવામાં આવી શકે છે. સાથે જ પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસના એક મહિના સુધી રામલલાના દર્શન કરવાા આવતા ભક્તોની ભીડને નિયંત્રિત કરવી એ એક મોટો પડકાર હશે. આ માટે 26 જાન્યુઆરી પછી રાજ્યવાર લોકો માટે તારીખની ફાળવણી કરવામાં આવશે. જે રાજ્યને જે તારીખની ફાળવણી કરવામાં આવે, તે રાજ્યના લોકોએ તે તારીખે જ રામલલાના દર્શન કરી શકશે.
રામલલાના દર્શન કરવા આવતા ભક્તોને તારીખ ફાળવવામાં આવશે
દક્ષિણ ભારતના રાજ્યોમાંથી રામલલાના દર્શન કરવા આવતા ભક્તોને ફેબ્રુઆરીમાં તારીખ ફાળવવામાં આવશે, જ્યારે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાંથી આવતા ભક્તો માટે જાન્યુઆરીના અંતમાં તારીખ નક્કી કરવામાં આવશે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રને વિશ્વાસ છે કે, એક મહિના સુધી એટલે કે લગભગ 20 ફેબ્રુઆરી સુધી મોટી સંખ્યામાં ભક્તો આવશે. જે બાદ રામલલાના દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યા સામાન્ય થઈ જશે.
83000 મંદિરમાં ભંડારો ચલાવવા અપીલ
પ્રાણ-પ્રતિષ્ઠાની તારીખથી આગામી એક મહિના સુધી 10થી 15 સ્થળોએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના તમામ 3000 મંદિરોમાં ભંડારો ચલાવવા માટે અપીલ કરશે. આ તમામ ભક્તો માટે રાત્રે આરામ કરવા અને ઊંઘવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.





