રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાતોરાત ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ફીમાં વધારો ઝીંકાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ફીમાં સીધો 100 ટકાનો વધારો કરાયો છે. ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવામાં હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે.
જો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ ખોવાઈ જાય તો તમને ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર પડતી હોય છે. આ માટે આરટીઓ વિભાગ ખાસ સુવિધા આપે છે. તમે અરજી કરીને ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકો છો. અત્યાર સુધી ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની અરજી પર 200 રૂપિયા લાયસન્સી ફી અને સ્માર્ટ કાર્ડ ચાર્જ 200 રૂપિયા એમ કરીને 400 રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલવામા આવતા હતા. પરંતુ ગત સપ્તાહમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સની ફી 200 રૂપિયાથી વધારીને 400 રૂપિયા કરી દેવાઈ છે. તેથી જો હવે તમે આરટીઓ કચેરીમાં ડુપ્લીકેટ લાયસન્સ માટે અરજી કરો છો તો તમારે ડ્રાઈવિંગ લાયસન્સની ફી 400 રૂપિયા અને સ્માર્ટ કાર્ડના 200 રૂપિયા મળીને કુલ 600 રૂપિયા ચૂકવવા પડશે.
આરટીઓ પરિપત્ર દ્વારા આ ફી વધારાની જાણ કરાતી હોય છે, પરંતુ પરિપત્ર પહેલા જ કચેરી દ્વારા નવો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે. હાલ આરટીઓ કચેરી દ્વારા ગ્રાહકો પાસેથી નવો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. જેથી નાગરિકોને પણ આ ભાવવધારો અસહ્ય બની રહ્યો છે.