જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદી વહોરનારા વીર શહીદ મહિપાલસિંહ વાળાના અમદાવાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમ શ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ શહિદ થયા હતા.
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ પરિવાર સાથે અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં રહેતા શહીદવીર મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરના કુલગામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહિદી વહોરી છે. વાયુસેનાના વિશેષ વિમાન મારફત હવાઈ માર્ગે તેમના પાર્થિવદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો. વિરાટનગર ખાતે તેમના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહ લાવ્યા બાદ લીલાનગર સ્મશાન ખાતે પુરા રાજકિય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
દેશની માટે પોતાના જીવ ન્યોછાવર કરી દેનારા વીર શહિદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી પોતે તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. તેમની સાથે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને શહીદવીરના બલિદાન માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિરાટનગર વિસ્તારમાં વીર શહિદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. દેશની રક્ષા કાજે બલિદાન આપી દેવારા આ વીર જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બીજ તરફ વિરાટનગર વિસ્તારના વેપારીઓએ શહીદ વીર મહિપાલસિંહ વાળાના સમ્માનમાં પોતાના વેપાર ધંધા બંધ રાખી તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.