ત્રણ દિવસ અગાઉ લોકસભામાંથી પસાર થયા બાદ દિલ્હી સર્વિસ બિલ (ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ) સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના રાજ્યસભાના સાંસદોને સોમવારે સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગેના વર્તમાન વટહુકમમાં સુધારો કરવાનો છે, જેને પસાર કરવા માટે બહુમતી માટે 119 સાંસદોની જરૂરી પડશે.
રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પહેલા બસપાએ દિલ્હી સેવા બિલ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી, પરંતુ બસપાએ લોકસભા અને રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બહિષ્કારની જાહેરાત કરી છે. બીજી તરફ ઓડિશાની સત્તારૂઢ બીજેડી અને ટીડીપીએ આ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, YSR પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કરી ચૂકી છે.
નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલને લઈને એનડીએ સરકાર અને વિપક્ષ ‘INDIA’ના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. લોકસભામાં બિલ પસાર થયા બાદ હવે વિપક્ષ રાજ્યસભામાં તેના પર હોબાળો મચાવી શકે છે. હાલમાં રાજ્યસભામાં સંસદ સભ્યોની સંખ્યા 238 છે. 7 સીટો ખાલી છે. રાજ્યસભામાં ભાજપના 92 સાંસદો છે. એનડીએ ગઠબંધનમાં સામેલ AIADMKના 4 સાંસદો અને અસમ ગણ પરિષદ, મિઝો નેશનલ ફ્રન્ટ, NPP, PMK, RPI(A), TMC(M) અને UPPLના 1-1 સાંસદો ઉમેરાતા આ આંકડો 103 સુધી પહોંચી જાય છે.