વિદેશી ખાદ્યતેલના ઘટાડાની વચ્ચે સીંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચી ગયો છે. બ્રાન્ડેડ સીંગતેલના ભાવ 3,080 થી 3100 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. પીલાણ બરની મગફળીની ઓછી આવકને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ સીંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટમેટા, ડુંગળી બાદ હવે સીંગતેલમાં પણ લાલચોળ તેજી જોવા મળી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સીંગતેલમાં બનાવે છે જેના કારણે આ વખતે આ તમામ વસ્તુઓ ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.
ઓછી ઉપજ અને સરસવના તેલીબિયાંના કારણે વિદેશી બજારોમાં ઘટાડાનાં વલણ વચ્ચે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સોમવારે સરસવનું તેલ, સોયાબીન તેલ-તેલીબિયાં, ક્રૂડ પામ ઓઈલ અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો થયો હતો. સીંગદાણા તેલ-તેલીબિયાં અને કપાસિયા તેલના ભાવ તહેવારોની માંગ વચ્ચે અગાઉના સ્તરે બંધ થયા હતા.