જૂનાગઢ પથ્થરમારામાં ઝડપાયેલા આરોપીને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવા આવતા ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું છે કે આરોપીઓને માર મારવાના કેસમાં પોલીસકર્મીઓને સરકારી વકીલ નહીં મળે. આ સાથે જ પોલીસકર્મીઓને સરકારી વકીલની જગ્યાએ સ્વખર્ચે પોતાનો વકીલ રોકવાનો હુકમ હાઈકોર્ટ દ્વારા કરાયો છે.
જૂનાગઢમાં 16 જૂને બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. તો પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓની સાથે 4 સગીરોને પણ પોલીસે લોક-અપમાં અભદ્ર ભાષા વાપરીને માર માર્યો હતો.
પીડિતોએ હાઈકોર્ટમાં એક અરજી કરીને જવાબદાર પોલીસકર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન પીડિતના વકીલે દ્વારા દલીલો કરી હતી કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને બેરહેમીથી માર માર્યો હતો. જે બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા DySP, PI સહિત 32 પોલીસકર્મીને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્ટ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી હતી. સાથે જ કોર્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
ગત 16 જૂને જૂનાગઢના મજેવડી દરવાજા પાસે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે એક ધર્મસ્થાનને નોટિસ આપતા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડી, એસ.ટી. બસ તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. PGVCLની ગાડી ઉપર થયેલા પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું. આ મામલાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા હતા. જે બાદ પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા આરોપીઓને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. જોકે, બાદમાં તમામને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.