ભાવનગર, તા.૮
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓમાં રહેલ સર્જનાત્મકતાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અનેક યોજનાઓ શરુ કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રોજેક્ટ પ્રપોઝલ રજુ કરીને ૨ લાખ સુધીનું અનુદાન મેળવી શકે છે. આજના સમયમાં રોબોટીક્સનો તમામ સ્તરે વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે વિધાર્થીઓમાં રહેલ સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને તેનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવા માટે ગુજરાત સરકારની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત 3.0” નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સર બી.પી.ટી.આઈ.નાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓ યશવી શાહ, ખુશી શાહ, ધાર્મિક વાંકાણી તથા શિવમ શુક્લા દ્વારા પ્રોજેક્ટ પ્રપોઝલ રજુ કરવામાં આવેલ. જેની પસંદગી ગુજકોસ્ટ દ્વારા કરવામાં આવેલ હતી તથા રોબોટ બનાવવા માટે રૂ.૫૦,૦૦૦ જેવી માતબર રકમનું અનુદાન વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત કરેલ હતી.
જે અન્વયે વિધાર્થીઓએ “રોવર રોબોટ” ડીઝાઇન કરીને સ્પર્ધામાં ભાગ લેતા તેમના રોબોટને લેવલ-૩ પ્રોટો ટાઇપ લેવેલમાં પસંદગી મળેલ છે. અને વિધાર્થીઓની ટીમને રૂપિયા ૨ લાખની માતબર રકમનું ઇનામ મળેલ છે. સ્પર્ધા માટે વિદ્યાર્થીઓના મેન્ટર પ્રોફેસર ચિંતન ઉમરાળિયા તથા આઈ.ટી. વિભાગના વડા પ્રોફેસર જી. એમ. પાંડે દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. સંસ્થાના આચાર્ય ડો. એ.એસ. પંડ્યાએ ફેકલ્ટીઓ તથા વિદ્યાર્થીઓની ટીમને સંસ્થા અને ભાવનગરનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવેલ તથા તેમને આગળના લેવલ-૩ પ્રોટો ટાઇપ લેવેલમાં પણ વિજેતા બનવા માટે શુભેચ્છાઓ આપેલ છે.